Posts

Showing posts from July, 2017

ઉમાશંકર જોષીનુ અનુવાદ કાર્ય

Image
                                  અનુવાદક ઉમાશંકર ગાંધીયુગનાં પ્રબોધમૂર્તિ ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં વિધ વિધ રીતે પથરાયેલા છે. તેમની સર્જક્તાએ પ્રભાવી બનીને સાહિત્યક્ષેત્રમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉમાશંકરે જેટલું સર્જન કર્યું છે તેનાથી પણ વધું તેમના વિશે લખાયું છે. આવી સર્જકવિભુતિના સાહિત્યિકકર્મ વિશે વાત કરવી ભગીરથ કાર્ય બની રહે એ સ્વાભાવિક છે. શબ્દોની શક્તિથી તેમણે જગતમાં વ્યાપ્ત સત્યમ શિવમ અને સુંદરમની સાધના કરી છે. ‘ સત્યં પરં ધીમહિ ’ મુદ્રાલેખ સાથે ચાર ચાર દાયકા સુધી સંસ્કૃતિ દ્વારા સાહિત્યોપાસના કરનાર ઉમાશંકર ગુજરાતની ચેતનાને, તેના સાંસ્કૃતિક મુલ્યોને અને તેના સાહિત્યિક વારસાને ઉજાગર કરવા શિવસંકલ્પ કરે છે. સંસ્કૃતિવિચારક તરીકે તેમનો શબ્દ હંમેશા મંગલમય બનીને સાહિત્યમાં આવતો રહ્યો છે. તેમણે પોતે જ કહ્યું છે કે ‘ગામથી શબ્દ લઇને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઇ ગયો સત્યાગ્રહ છાવણીઓમાં , જેલોમાં , વિશ્વવિદ્યાલયોમાં , સંસદમાં , રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં , વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્યલોકમાં માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં...